નમસ્તે, કપડવંજ હેરીટેજ વોકમાં આપનું સ્વાગત છે. કપડવંજના ઐતિહાસિક અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે આ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. દાણી ફાઉન્ડેશન અને કપડવંજ કેળવણી મંડળના પ્રયાસ દ્વારા અહીં કપડવંજ હેરીટેજ સીટી પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કપડવંજમાં હેરીટેજ સ્થળો અને સ્થાપત્યોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું અને તેમાંથી કપડવંજ હેરીટેજ વોકનું નિર્માણ કરાયું. આ હેરીટેજ વોક ૧.૫ કિમી લાંબી છે અને ચાલતા ચાલતા જ કરવાની છે, આ વોક દરમિયાન કપડવંજના ઐતિહાસિક અને સંસ્કૃતિક વારસાને આપણે આજે ઉજાગર કરીશું.
મહોર નદી કાંઠે વસેલ અને તત્કાલીન સમયે વેપાર વાણિજ્યનાં કેન્દ્ર સ્થાને રહેલ કપડવંજ નગર ખેડા જિલ્લામાં આવેલું વારસે મઢેલું નગર છે. પ્રાચીન સમયમાં આ નગર અનુક્રમે કર્પટવાણીજ્ય કે કપડવણજ જેવા નામે પ્રચલિત હતું, જે આજે કપડવંજ નામે સુપ્રસિદ્ધ છે. જો કે, આજે પણ ઘણા જુના ભવનોમાં, સંસ્થાઓમાં આ નામ જોવા મળે છે. આ શહેરનાં પૌરાણિક નામો શહેરનો વેપાર વાણિજ્ય સાથે સબંધ દર્શાવે છે અને એમાં પણ ખાસ કરીને કાપડનાં વ્યવસાય સાથેનો સબંધ સ્પષ્ટ થાય છે. અહીંથી પ્રાપ્ત રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણદેવ બીજાના શાસનના ઈ.સ.૯૧૦નાં બે તામ્રપત્રોમાં તથા વિક્રમ સંવત ૧૦૭૯, વિક્રમ સંવત ૧૫૨૨, વિક્રમ સંવત ૧૬૧૮, વિક્રમ સંવત ૧૬૫૫ અને વિક્રમ સંવત ૧૬૬૬નાં જૈન દેરાસરો અને પ્રતિમાલેખો નગરની ઐતિહાસિકતા દર્શાવે છે.
મહાભારતના સભાપર્વમાં પંચકર્પટનો તથા સ્કંદપુરાણના ધર્મારણ્ય ખંડમાં કપડવાણક અને કપડવણજનો ઉલ્લેખ નોંધનીય છે.
હાલમાં આપણે ઉભા છીએ ત્યાંથી આપણી હેરીટેજ વોક શરુ થાય છે, સૈફી લાઈબ્રેરી. આ મકાન સ્થાપત્ય અને દેખાવ ની દ્રષ્ટિએ વિશેષ છે. સૈફી શીફાખાના અને સૈફી ફ્રી લાઈબ્રેરી આ મકાન વ્હોરા કમ્યુનીટીના ટ્રસ્ટ અંતર્ગત કામ કરે છે. હાલમાં આ બંને સેવાઓ બંધ છે પરંતુ કેટલાક સમય પહેલા આ સેવાઓ નગરજનો માટે ફ્રી હતી.